સુ.નગર જીલ્લાના ધારાડુંગરી ગામનો ખેડૂત પરિવાર માતાના મઢ દર્શને જતા નડ્યો અકસ્માત
માળીયા(મી) તાલુકાના બહાદુરગઢ ગામ નજીક હાઇવે રોડની કટમાંથી પુરઝડપે આવતા ટ્રક ટેન્કરની ઠોકરે બોલેરો ગાડીમાં માતાના મઢ દર્શન કરવા જઈ રહેલા સુરેન્દ્રનગર જીલ્લાના ધારા ડુંગરી ગામે રહેતા ખેડૂત પરિવારના છ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે એક ૯ વર્ષીય બાળકીનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ટેન્કર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ પોલીસે ટેન્કર ચાલક આરોપી સામે ગુનો નોંધી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગત તા. ૩૦/૦૯ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગરી ગામે રહતા ખેડૂત રોહિતભાઈ વરસંગભાઈ ઉગ્રેજા ઉવ.૩૭ પોતાની માતા સહિત પત્ની તથા એક પુત્ર તથા બે પુત્રી સહિત પરિવાર સાથે પોતાની માલીકીની બોલેરો ગાડી રજી.નં. જીજે-૧૩-સીએ-૬૯૨૯ લઈને કચ્છ માતાના મઢ જતા હોય ત્યારે માળીયા(મી) તાલુકાના બહાદુરગઢ ગામ નજીક પહોંચ્યા ત્યારે રોડની વચ્ચે ડિવાઈડરની કટમાંથી પુર ગતિએ આવતા ટ્રક ટેન્કર રજી. નં. જીજે-૨૭-વી-૩૭૧૯વાળા સાથે બોલેરો ગાડી અથડાય અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર તમામ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેમને મોરબી સિવિલ હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તમામ સભ્યોને દાખલ કરાયા હતા.
અકસ્માતના બનાવમાં રોહિતભાઈને પગમાં ફ્રેકચર, તેમના પત્ની, માતા, પુત્ર તથા પુત્રી તેમજ રોહિતભાઈના નાનાભાઈની પત્ની એમ છ સભ્યોને નાના-મોટી ઇજાઓ થયી હતી જ્યારે રોહિતભાઈની ૯ વર્ષીય પુત્રી જાગૃતિબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હોય જ્યાં ચાલુ સારવારમાં માસુમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ અકસ્માત સર્જી ટ્રક ટેન્કરનો ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હોય જેથી રોહિતભાઈની ફરિયાદના આધારે આરોપી ટ્રક ટેન્કરના ચાલક સામે માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.