પાઇપ તથા ઢીકાપાટુનો માર મારી પ્રૌઢ સહિત ત્રણ ઉપર કાર ચડાવી પહોંચાડી ગંભીર ઇજાઓ
હળવદમાં આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટમાં કામ કરતા પ્રોઢે ફોન કરી મહિલા સાથે ઊંચા અવાજે વાત કરવા બાબતે મહિલાના દીકરા સહિતના લોકો ઉપરોક્ત આસ્થા ટેકનો પ્લાસ્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ધોકા-પાઇપ વડે પ્રૌઢને બેફામ માર મારવામાં આવ્યો હતો, જે બાદ મહિલાના પુત્ર દ્વારા પ્રૌઢ સહિત ત્રણને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર આઈ-૨૦ કાર ચડાવી ઇજાગ્રસ્ત કર્યા હતા, હાલ ભોગ બનનાર પ્રૌઢ દ્વારા હળવદ પોલીસ સમક્ષ આરોપી મહિલા સહિત છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બલીયા જીલ્લાના વતની હાલ હળવદ આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં રહેતા મનોજ રામાશંકર યાદવ ઉવ.૫૨ એ હળવદ પોલીસ મથકમાં આરોપી (૧)અજયભાઇ સુરેશભાઇ કુડેચા તથા (૨)હાર્દિકભાઇ સુરેશભાઇ કુડેચા તથા (૩)સુરેશભાઇ કુડેચા તથા (૪)શીતલબેન સુરેશભાઇ કુડેચા (૫)સંજયભાઇ ચંદુભાઇ કુડેચા (૬)વિજયભાઇ ચંદુભાઇ કુડેચા રહે.બધા હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી મનોજ રામાશંકર યાદવે આરોપી અજયભાઇના માતા શીતલબેન સાથે ફોન કરી ઉચા અવાજે વાત કરેલ હોય જેનો ખાર રાખી ગઈ તા.૧૪/૧૦ના રોજ રાત્રીના ૯.૩૦વાગ્યાની આસપાસ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પાઇપ જેવા હથીયારો ધારણ કરી આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને આરોપીઓએ આડેધડ માર મારી કપાળના ભાગે તથા ડાબી આંખની ઉપર તથા પીઠના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમિયાન આરોપી વિજયભાઇએ પોતાના હવાલાવાળી આઇ-૨૦ કાર રજી. નં. જીજે-૧૩-સીસી-૨૮૭૧ વાળી કાર ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદાથી ભટકાડી માથે ચડાવી દઈ સાહેદ ઉપેન્દ્રરાયને જમણા પગમા તથા શશીકાંતભાઇને કમરના ભાગે ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









