મોરબીના વીરપરડા ગામ નજીક ઓમ બન્ના નામની હોટેલ માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. SMC દ્વારા પોલીસ કર્મી સહિત નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. SMC દ્વારા દરોડો પાડી પેટ્રોલ-ડીઝલના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી કુલ ૪૭,૦૫,૦૮૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પીપળીયા ચાર રસ્તાથી માળીયા જામનગર હાઈવે મોરબીના વિરપરડા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડાનો પાડવામાં આવ્યો હતો. ગઇકાલે ઓમ બન્ના નામની હોટલમાંથી પેટ્રોલ ડીઝલ ચોરીનુ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.
જેમાં SMC દ્વારા નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભરત મિયાત્રા સહિત નેતારામ ઉર્ફે રાજુ બાવરી,ગોવિંદ બાવરી,સંતોક બાવરી,પ્રકાશ બાવરી, હીરાલાલ બાવરી,શક્તિ સિંહ જાડેજા,રાજેશ ઉર્ફે રાજુ ખુંગલા અને રાજેશ મારવાનિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ભાઈ ધ્રાંગા,બિપીનભાઈ અને શ્રવણ સિંહ રાજપૂત નામનાં આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે ગુન્હામાં મુખ્ય ફરાર આરોપી શ્રાવણ સિંહ સાથે પોલીસ કર્મચારી ભરત મિયાત્રા ભાગમાં ડીઝલ પેટ્રોલ ચોરી કરતા હતા. જેમાં SMC દ્વારા ૧૫,૨૦૦ લીટર ડીઝલ, ૫૨૦૦ લીટર પેટ્રોલ, એક ટેન્કર, બે કાર, ૧૦ મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા ૪૭,૦૫,૦૮૫ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.