SMC ટીમ દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ માસમા હની ઉદ્યોગ ખાતે રેઇડ કરવામાં આવી હતી.SMC દ્વારા રેઇડ કરી ડુપ્લીકેટ ઘી ની ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. જેમાં કુલ ડુપ્લિકેટ ઘી મશીનરી સહિત કુલ રૂપિયા ૧.૧૭ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમ દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ માસમા હની ઉદ્યોગ ખાતે ચાલતી ડુપ્લીકેટ ઘી ની ફેક્ટરી પર રેઇડ કરવામાં આવી હતી.જ્યાંથી ડુપ્લિકેટ ઘી 496 બોક્સ કિંમત રૂ. 23,84,700/-, ડુપ્લિકેટ ઘી કાચો માલ કિંમત રૂ. 69,67,300/-, મશીનરી કિંમત રૂ. 16,59,800/-, પેકિંગ સામગ્રી રૂ 7,55,841/- તેમજ બે મોબાઇલ કિંમત રૂ. 30,000/- ગણી કુલ 1,17,97,641 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાકેશ ઇશ્વરભાઇ ભારતીય અને ભૂપેશ ઈશ્વરભાઈ ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વનસ્પતિ તેલને ઘીમાં રૂપાંતરિત કરીને તેમાં વિવિધ પદાર્થો ઉમેરીને પછી તેને ઘીના લેબલ હેઠળ વેચતા હતા. આમ, તેઓ ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ કરી ગ્રાહકો સમક્ષ ખોટી રીતે રજૂ કરી ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન પણ કરતા હતા. ભેળસેળથી ખરીદારો ઉપરાંત આરોગ્ય સામે પણ જોખમો ઊભા કરતા હતા.
કારણ કે ઉત્પાદન અસલી ઘી સાથે સંકળાયેલા અપેક્ષિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતું નથી.તેથી SMC એ આરોપી વિરૂદ્ધ BNS એક્ટની સંબંધિત કલમો 318,274,275, 3(5) અને ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS એક્ટ) 2006 ના 26, 50,51,54,57,59 હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ દરોડો આર.બી.વનાર PSI, SMC દ્વારા પાડવામાં આવ્યો હતો.