સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે બાતમીના આધારે વાપી ખાતે કરમબેલા નેશનલ હાઈવે નં-૪૮ ની બાજુમાં આવેલ રેલ્વે ઓવરબ્રીજની નીચેથી બે નાઇજીરીયનને ૨૫૨ ગ્રામ અને ૧૪ મિલી ગ્રામ કિંમત રૂ. ૧,૨૬,૦૭,૦૦૦ તેમજ રોકડ ૫,૨૦૦, ૨ નંગ મોબાઇલ કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ ૧,૨૬,૨૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ખાતે ગુન્હો દાખલ કરી કોર્ટમાં રજૂ કરાતાં બંને આરોપીના કોર્ટે દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા રાજ્યમાં એન.ડી.પી.એસ.ની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ઉપર વોચ-તપાસ રાખી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધવા સુચના કરવામાં આવી હતી. તે અંતર્ગત નિર્લિપ્ત રાય, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલની સીધી સુચના અને સુપરવિઝન હેઠળ તેમજ કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ હેરાફેરી અંગે બાજ નજર રાખી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર સી.એચ.પનારાની ટીમને ખાનગી રાહે બાતમી મળી કે તા.૧૯/૦૩/૨૦૨૫ ના રોજ સાંજના બે નાઈજીરીયન ઇસમો ટેક્ષી પાર્સીગ કારમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મુંબઈ, મહારાષ્ટ્રના વસઈ, નાલા સોપારા ખાતેથી લઈ આશરે ૦૫ થી ૦૭ વાગ્યાના ગાળામાં વાપી ખાતે કરમબેલા નેશનલ હાઈવે નં-૪૮ ની બાજુમાં આવેલ રેલ્વે ઓવરબ્રીજની નીચે કોઈક ઈસમને આપવા આવનાર છે. તે માહિતીને આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી.જાડેજાની ટીમના માણસો અને બે સરકારી પંચો સાથે વોચ ગોઠવી તે દરમ્યાન ૦૬:૪૦ વાગ્યાના અરસામાં બાતમી મુજબના નાઈજીરીયન ઈસમોવાળી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ઓરા ટેક્ષી પાર્કીંગ કાર ભીલાડ તરફથી કરમબેલા નેશનલ હાઈવે નં-૪૮ ની બાજુમાં આવેલ રેલ્વે ઓવરબ્રીજની નીચે આવી ઉભી રહેતા તેને કોર્ડન કરી કેલીચીકુ એજે ફ્રાન્સીસ અને અકીમવાનમી તાઈવો ડેવીડ બંને નાઇજિરિયાને પ્રતિબંધીત ડ્રગ્સ કુલ વજન ૨પર ગ્રામ અને ૧૪ મીલી ગ્રામ, કિંમત રૂ.૧.૨૬.૦૭,૦૦૦/-, રોકડા રૂપિયા ૫,૨૦૦/-, મોબાઈલ ફોન નંગ-૦૨, કિં.રૂ.૧૦,૦૦૦/- વિગેરે મળી કુલ રૂપિયા ૧,૨૬,૨૨,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓને સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ખાતે તા. ૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે બંને આરોપીઓને ડ્રગ્સનો જથ્થો મુંબઈના ચાચું નામનાં ઈસમે વાપી મોકલાવ્યાની કબૂલાત આપી હતી. જે કેસમાં ડ્રગ્સનો જથ્થો મોકલનાર ચાંચુ અને વાપી ખાતે ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર પી.પી. બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે. ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ કેલીચીકુ એજે ફ્રાન્સિસ અગાઉ મુબ્રા પોલીસ સ્ટેશન થાણે, મુંબઈ ખાતે ૨૦૨૨ માં NDPS ના ગુન્હામાં પકડાયેલ હોવાનું તેમજ જાન્યુઆરી ૨૦૨૫ માં જામીન પર મુક્ત થયાનું સામે આવ્યું છે. જે બંને ડ્રગ્સ સાથે પકડાયેલને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે બન્ને આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.