મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી સતત તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે હવે મોરબી શહેરના માર્કેટિંગ યાર્ડમાં તસ્કરો ત્રાટકયા છે.
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રમેશભાઈ ચુનીલાલ દેત્રોજા (ઉ.૫૨ ધંધો :વેપાર રહે.નીચી માંડલ તાં.મોરબી)એ ફરિયાદ નોંધાવી છે કે તેઓનું પોતાની માલિકીનું રૂ ૪,૦૦,૦૦૦ ની કિંમતનું ૩૯ બાચકા ૧૧૭ મણ જીરું માર્કેટીંગ યાર્ડના જીરુંના શેડમાં રાખવામાં આવ્યું હતું જે જીરું નો જથ્થો ગત તારીખ ૩૦-૦૫-૨૦૨૨ ના રોજ બપોરના સમયે કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા.માર્કેટિંગ યાર્ડમાંથી આટલા મોટા ૩૯ બોરી જીરુંના જથ્થાને એકલા શખ્સ અને માલ વાહક વાહન વગર લઈ જવું શક્ય નથી જેથી સવાલ એ ઉભો થાય છે કે માર્કેટીંગ યાર્ડના ગેટ પર માલ સમાનની આવક જાવક માટે જરૂરી કાગળો પણ માંગવામાં આવે છે તો આ તસ્કરો આટલો મોટો જથ્થો માર્કેટીંગ યાર્ડ ની બહાર લઈ કઈ રીતે ગયા?જેથી માર્કેટીંગ યાર્ડના પદાધિકારીઓ દ્વારા પણ આ બાબતે ગંભીર નોંધ લઈ જવાબદારો પર પગલાં લેવા જરૂરી બન્યું છે.
હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.