હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કરી અંદાજે રૂ.૩.૯૪ લાખ કિંમતના સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે રહેતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા ઉવ.૨૪ના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ફરિયાદ મુજબ, ગત તા.૦૬/૦૨ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે દિવસ કે રાત્રીના કોઈપણ સમયે મકાનની દિવાલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય દરવાજા તેમજ રૂમના તાળા તોડી મકાનમાં રાખેલા સોનાના દાગીના ચોરી કરી લઈ ગયા હતા. ચોરાયેલ દાગીનામાં બે ગળાના હાર, એક જોડી કાનની બુટી (સેર સાથે) અને બે સોનાની વીંટી એમ કુલ વજન આશરે સાડા પાંચ તોલા કિ.રૂ.૩,૯૪,૦૫૭/- ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા, પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.









