મોરબીમાં ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ હવે કરિયાણાની દુકાનને નિશાનો બનાવ્યો છે. જેમાં મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી હજારો રૂપિયાની વસ્તુ છુમંતર કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં આલાપ સોસાયટી નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧૦૧ ખાતે રહેતા અરૂણકુમાર ભાણજીભાઇ સંઘાણીની રફાળેશ્ર્વર જી.આઇ.ડી.સી.વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ સામે પ્લોટ નંબર-૧૩૦ માં આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ગત તારીખઃ-૧૫/૧૨/૨૦૨૩ના રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમ આરોપીએ તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલા રૂ.૧૫૦૦/-ની કિંમતનું રીલાયન્સ કંપનીનું ૧૬ કીલોનું એક ગેસ સીલીન્ડર, રૂ.૬૦૦૦/-ની કિંમતનાં ઇન્ડેન કંપનીના બે ગેસ સીલીન્ડર તથા દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂ.૪૬૦૦/-મળી કુલ રૂ.૧૨,૧૦૦/-ની મત્તાની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.