ગઈ તા.૧૪ ઓક્ટો.૨૦૨૪ના રોજ બનેલ ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાઈ
હળવાદમાં આનંદ પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી રૂમના કબાટમાં રહેલ સોના-ચાંદીના કુલ ૧.૪૪ લાખના દાગીનાની ચોરી કરી લઈ ગયા અંગેની મકાન માલીક દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે ઘરફોડ ચોરીની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમોને પકડી લેવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ ટાઉનની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી નામના ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.૧૪ ઓકટોબર ૨૦૨૪ ના રોજ આનંદ પાર્ક સોસાયટીના પોતાના રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલ કબાટના લોકરમાંથી સોનાના દાગીના જેમા ત્રણ તોલાનુ મંગળસુત્ર, ત્રણ તોલાનો ગળામા પહેરવાનો હાર તથા બુટી, પાંચ ગ્રામની આગળીમા પહેરવાની ત્રણ વિટી, હાથમા પહેરવાના સોનાની ચીપ વાળા પાટલા ૧ જોડી, સોનાની ચીપ વાળી ચાર ચૂડલી તથા ચાંદીના સાકળા પંચાસ ગ્રામના એમ કુલ કિ. રૂ.૧,૪૪,૦૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે, હાલ હળવદ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી અજાણ્યા ચોર ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.