ઘરના સભ્યો ઉપરના માળે સુતા રહ્યા અને તસ્કરો નીચેના માળેથી રોકડ, સોના-ચાંદીના ઘરેણાં ચોરી કરી લઈ ગયા.
વાંકાનેરના બ્રહ્મસમાજ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ઘરમાં નીચેના માળે મારેલ તાળું તોડી કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના, તેમજ રોકડ સહિત કુલ રૂ.૫૦,૩૦૦/- ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવ સમયે ઘરના સભ્યો ઉપરના માળે સુતા હોય ત્યારે તસ્કરો નીચેના માળે હાથફેરો કરીને ચાલ્યા ગયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર સીટી વિસ્તારમાં અમરસર રોડ ઉપર આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં દિવ્યેશભાઈ જાનીના મકાનમાં ગઈ તા.૨૪/૦૧ના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કર ઈસમોએ મકાનના દરવાજાનું તાળું તોડી કબાટમાં લોકર તોડી તેમા રાખેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૩૯,૦૦૦/-, કબાટની ઉપર રાખેલ ગલ્લો તોડી તેમાંથી રોકડા ૧૦,૦૦૦/-, એક નોકિયા કિ-પેડ મોબાઇલ સહિત રૂ.૫૦,૩૦૦/-ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હોય હાલ સમગ્ર ચોરીના બનાવમાં દિવ્યેશભાઈ જગદીશભાઈ જાની ઉવ.૩૬ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.