સરદાર પટેલ પાટીદાર સમાજ મોરબી દ્વારા ઓમ શાંતિ ઈગ્લીશ મીડિયમ સ્કુલ શનાળા ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ સંગઠન, સંઘર્ષ ખૂબજ જરૂરી છે. બાળકો સારૂ શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. તેમજ સમાજના સંગઠનથી સુખ દુ:ખમાં મદદરૂપ થઈ શકાય અને એકબીજાને મદદરૂપ થઈ આગળ વધી શકાય છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે આપણે સરદાર પટેલના વસંજો છીએ અને સરદાર પટેલે આપેલ શીખ યાદ રાખીને ચાલીએ. તેમજ સમાજના વડીલોએ જે વારસો આપ્યો છે, તેનું જતન કરીએ અને શ્રેષ્ઠ ભારત બનાવવામાં મદદ રૂપ થઈએ.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તો આવતી પેઢી આગળ વધે અને સમાજની એકતાથી સમાજની પ્રગતિ થાય માણસ ગમે તે હોદ્દા પર પહોંચે પણ તેમની કુટુંબ ભાવના ન ભુલાવી જોઈએ અને ઘરમાં સુમેળભર્યું વાતાવરણ હોય તો લક્ષ્મીનો વાસ થાય છે.
આ કાર્યક્રમમાં અગ્રણી ડૉ. પ્રશાંત કોરાટ, ટી.ડી. પટેલે પ્રસંગોચીત પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવનો હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વાગત પ્રવચન સરદાર પટેલ પાટીદાર સમાજના મોરબીના પ્રમુખ સુમનભાઈ પટેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના બાળકો દ્વારા સાસ્કૃતીક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણી મગનભાઈ વડાવીયા, ભવનભાઈ ભાગીયા, કે.પી.ભાગીયા, અજયભાઈ લોરીયા, વિશાલ ઘોડાસરા, કાંતિભાઈ ડોબરીયા, મયુરભાઈ વઘાસીયા, અશોકભાઈ દેવડા, જયંતીભાઈ શેખડા સહિત સમાજના કુટુંબીજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.