મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દવાખાનું 24 કલાક ખુલ્લું રાખવા, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફમાં વધારો કરવા તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર સહિતનાઓને પત્ર લખી માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેક્ટર, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા તથા રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં શહેર તેમજ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. રાત્રિના સમયે અકસ્માત, મારામારી, હાર્ટ એટેક સહિતના ગંભીર કેસો આવતા હોવા છતાં હાલ મર્યાદિત સ્ટાફના કારણે યોગ્ય સારવાર આપવામાં મુશ્કેલી ઊભી થાય છે. રજુઆત મુજબ હાલમાં રાત્રિ ડ્યુટીમાં માત્ર બે નર્સિંગ સ્ટાફ અને એક મેડિકલ ઓફિસર ફરજ પર હોય છે, જેના કારણે દર્દીઓની સંખ્યાને અનુરૂપ કામગીરી કરવામાં અડચણ આવે છે. વધુમાં, હોસ્પિટલનું દવાખાનું રાત્રિના સમયે બંધ રહેતા દર્દીઓ અથવા તેમના સગાઓને તાત્કાલિક દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે. સામાજિક કાર્યકરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, જો દવાખાનું 24 કલાક ચાલુ રાખવામાં આવે અને દિવસ દરમ્યાન કાર્યરત સ્ટાફમાંથી એક-બે કર્મચારીઓને રાત્રિ પાળીમાં નિયુક્ત કરવામાં આવે તો દર્દીઓને તાત્કાલિક સારવાર અને દવાઓ ઉપલબ્ધ થઈ શકે. તેમજ રાત્રિના સમયે હોસ્પિટલ પરિસરમાં અસામાજિક તત્વો દ્વારા અવ્યવસ્થા સર્જાતી હોવાના બનાવો બનતા હોવાને કારણે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ સહિત યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરવામાં આવી છે.









