મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આજે મનપા કમીશ્નરને પત્ર લખી મોરબી મહાનગરપાલીકામાં ફ્રુડ ઇન્સ્પેકટરની તાત્કાલીક નિમણુંક કરવા માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકરો દ્વારા જણાવાયું છે કે, ફુડ ઇન્સ્પેકટરની નિમણુંક ના થતા શહેરના નાગરીકોના આરોગ્ય સાથે સીધા ચેડા જેવી પરિસ્થિતી ઉભી થઇ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ છબીલભાઈ દ્વારા આજ રોજ મનપા કમીશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી મહાનગરપાલિકામાં છેલ્લા લાંબા સમયથી ફુડ ઇન્સ્પેકટરની નિમણુંક કરવામાં આવી નથી. જેના કારણે શહેરના નાગરીકોના આરોગ્ય સાથે સીધા ચેડા જેવી પરિસ્થિતી ઉભી થઇ છે. આગામી દિવસોમાં દિવાળી જેવા મોટા તહેવારો આવવાના છે. જેમાં શહેરભરના દુકાનદારો અને મીઠાઈ બનાવનારા વેપારીઓ, હોટલો, લારી, નાની દુકાનો દ્વારા અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો વેચાણ માટે મુકવામાં આવશે. પરંતુ ક્રુડ ઇન્સ્પેકટરના અભાવે કોઇપણ પ્રકારની ચકાસણી કે તપાસ થતી નથી. પરિણામે જુના અપ્રમાણભૂત કે નકલી ખાધ પદાર્થો વેચાઇને શહેરની પ્રજાના આરોગ્યને ગંભીર જોખમ ઊભુ થાય તેવી શકયતા છે. મોરબી શહેર માટે સમક્ષ અને ઇમાનદાર ક્રુડ ઇન્સ્પેકટરની તાત્કાલીક નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમજ તહેવારો પહેલા ખાદ્ય પદાર્થોની તપાસ અભિયાન હાથ ધરવામાં આવે. જેથી પ્રજાને સલામત અને સ્વચ્છ ખોરાક મળી રહે.