હળવદના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં “હળવદ બ્રેકીંગ” સાથે સંકળાયેલા પત્રકાર મેહુલ ભરવાડની હળવદ પોલીસે ધરપકડ કરી છે. આ સાથે પોલીસે અગાઉ નોંધાયેલા ગુનામાં વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથિત પત્રકારે પત્રકારત્વને લગતી કોઈ શૈક્ષણિક ડિગ્રી કે કોર્ષ કરેલ નથી.
હળવદ તાલુકાના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવાના ગંભીર મામલે હળવદ પોલીસે વધુ એક આરોપી એવા “હળવદ બ્રેકીંગ” સાથે સંકળાયેલા પત્રકાર મેહુલ મશરૂભાઈ ભરવાડ રહે. સુનીલનગર હળવદ વાળાની અટક કરી છે. ઉપરોક્ત ગુનાની ટુક વિગત મુજબ, આરોપીઓ લાલા શાંતિભાઈ પરમાર અને મેહુલ ભરવાડે મળીને ફરીયાદીને રૂપિયા પાંચ લાખની ખંડણી માગી હતી. જો રકમ ચૂકવવામાં ન આવે તો ગાંજા જેવા ગંભીર કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની અને “હળવદ બ્રેકીંગ” ન્યુઝ મારફતે મામલો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૩૩૨(સી) અને ૩(૫) મુજબ ગુનો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસમાં આરોપીઓને ઝડપી લેવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે કાર્યવાહી કરી આરોપી મેહુલ ભરવાડને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે આરોપી મેહુલ ભરવાડે પત્રકારત્વ સંબંધિત કોઈ શૈક્ષણિક લાયકાત કે કોર્સ કરેલ નથી. વધુમાં તેની સામે અગાઉ પણ હળવદ પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરી સંબંધિત ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તપાસ આગળ વધારી છે.
ઉપરોક્ત સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ, પી.એસ.આઈ. આર.બી. ટાપરીયા, એસ.એચ. ભટ્ટ તથા હળવદ પોલીસ ટીમ જોડાયેલ હતી.









