મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી સ્લમ વિસ્તારોમાં સામાજિક-આર્થિક સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વેનો હેતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા અને સુવિધાયુક્ત આવાસ નિર્માણનો છે. આ સાથે મહાનગરપાલિકાએ સ્લમ રહેવાસીઓને આ સર્વે અંતર્ગત પૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં “સૌને માટે આવાસ”ના હેતુને સિદ્ધ કરવા માટે હાલના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સામાજિક-આર્થિક માહિતીના સર્વેક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્વે દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોની સચોટ માહિતી એકત્ર કરી તેમની રહેણાંક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સર્વેના આધારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા, સુરક્ષિત અને સુવિધાયુક્ત આવાસોના નવનિર્માણનું આયોજન કરવામાં આવશે. આ યોજના દ્વારા સ્લમ રહેવાસીઓ તેમજ ઘર-વિહોણા શહેરી નાગરિકોને આવાસ ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
સર્વે દરમિયાન મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત એજન્સીના સર્વેયર રહેવાસીઓના નામ અને પરિવારની વિગતો, હાલના રહેઠાણની માહિતી, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વોટર આઈડી જેવા ઓળખના દસ્તાવેજો તેમજ આવાસની જરૂરિયાત અંગેની માહિતી એકત્રિત કરશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સર્વે માત્ર માહિતી એકત્રિત કરવા માટે છે અને તેમાં કોઈપણ વ્યક્તિને ઘર ખાલી કરવાની કે સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવનાર નથી. મોરબી મહાનગરપાલિકાએ તમામ સ્લમ રહેવાસીઓને અપીલ કરી છે કે શહેરના સર્વાંગી વિકાસ અને “સૌને માટે આવાસ”ના રાષ્ટ્રીય લક્ષ્યને સફળ બનાવવા માટે સર્વે કાર્યમાં સત્ય અને પૂર્ણ માહિતી સાથે સહકાર આપે. સર્વે સંબંધિત કોઈપણ પ્રશ્નો કે માર્ગદર્શન માટે નાગરિકોને મહાનગરપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.









