મોરબીમાં પરવાના વાળા હથિયારથી ફાયરીંગ કરી તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર અપલોડ કરી સમાજમાં ભય ફેલાવનાર રણવિજયકુમાર શાહ વિરૂદ્ધ મોરબી એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ સહિત રૂ.૭૫,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા સોશ્યલ મિડીયામાં હથિયાર ધરાવતા કે ફાયરીંગના ફોટા/વિડીયો અપલોડ કરનાર ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે મોરબી એસઓજી પીઆઇ એન.આર.મકવાણા તથા તેમની ટીમે કાર્યરત હોય તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ આઈડી ranvijay.kumar.792 તથા ફેસબુક આઈડી Ranvijay Kumar પર એક વ્યક્તિએ ફાયરીંગ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. બાતમીના આધારે એ.એસ.આઈ. જુવાનસિંહ રાણાએ શોધખોળ કરતાં આરોપી રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ ઉવ.૪૫ રહે. ગોપાલ સોસાયટી મોરબી-૨, મૂળરહે. બિહાર વાળાને લાલપર ગામની સીમમાં કુમાર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી મળી આવ્યો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછ દરમિયાન કબૂલ કર્યું કે તેણે તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્યદિનની ઉજવણી દરમિયાન કર્મચારીઓ અને મજૂરોને એકત્ર કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. આ વિડીયો બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર અપલોડ કર્યો હતો.
આ સાથે પોલીસે આરોપી પાસેથી એક એનપી બોર પિસ્ટલ કિ.રૂ.૫૦ હજાર, છ કારતૂસ કિ.રૂ.૪૦૦/- અને એક મોબાઈલ ફોન કિ.રૂ.૨૫ હજાર મળી કુલ રૂ.૭૫,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.