પોલીસે આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો કુલ ૧ કિલો ૪૩૫ ગ્રામ, S-૨૪ મોબાઇલ, વજન કાંટા સહિત ૪૬,૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારાની જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાકમાર્કેટમાં ફ્રુટના વેપારની સાથે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું પણ વેચાણ કરતા ઇસમની ૧૧૬ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી, જે બાદ પકડાયેલ આરોપીના ઘરની ઝડતીમાં વધુ ૧ કિલો ઉપરનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, હાલ એસઓજી પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ એનડીપીએસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણ ની સાથે વનસ્પતિજન્ય ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે છે, હાલ ગાંજાનું વેચાણ ચાલુ હોય જે બાતમીને આધારે એસઓજી ટીમે શાક માર્કેટમાં કોર્ડન કરી અંગ ઝડતી લેતા કોટન ખિસ્સામાંથી તેમજ થળા નં.૧૮ માં તલાસી લેતા અલગ અલગ પ્લાસ્ટિકની કુલ ૧૭ નંગ કોથળીમાંથી ૧૧૬ ગ્રામ ગાંજો પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી હુસેન ઉર્ફે શબલાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી.
જે બાદ પકડાયેલ આરોપી હુસેન ઉર્ફે શબલો સોલંકીને ગાંજા બાબતે વધુ સઘન પૂછતાછ કરતા આરોપી ગાંજાનો જથ્થો રાજકોટથી લઈ આવ્યો હોવાનું અને અન્ય જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખ્યો હોવાનું જણાવતા તુરંત આરોપીના ટંકારા મેમણ શેરી સ્થિત રહેણાંક મકાને રેઇડ કરી હતી જ્યાંથી એક બેગમાં રાખેલ વધુ ૧ કિલો ૩૧૯ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી એસઓજી પોલીસે કુલ ૧ કિલો ૪૩૫ માદક પદાર્થ ગાંજો કિ.રૂ. ૧૪,૩૫૦/-, સેમસંગ s-૨૪ મોબાઇલ કિ.રૂ.૩૦ હજાર, વજન કાંટો રૂ.૫૦૦/- સહિત રૂ.૪૬,૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.