મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫ સોમવારના રોજ સવારે ૧૨ વાગ્યે જીલ્લા પંચાયતના સભાખંડ રૂમ નંબર ૧૯ ખાતે યોજાશે. બેઠકમાં માર્ગ-મકાન વિભાગના કામ, એજન્સીઓની કામગીરી, જપ્તી પ્રક્રિયા, નાણાપંચના ફંડની મંજૂરીઓ તથા વિવિધ યોજનાઓની બહાલીને લગતા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા. ૧૦/૧૧/૨૦૨૫, સોમવારના રોજ સવારે ૧૨:૦૦ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ રૂમ નં. ૧૯માં યોજાશે. આ બેઠક માટે તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકની કાર્યવાહીના અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેધી સંભાળશે, જ્યારે સચિવ તથા જીલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી દ્વારા કામગીરી સંચાલિત થશે. બેઠકની કાર્યસૂચિ મુજબ, સામાન્ય સભાની અગાઉની બેઠકની કાર્યવાહી તથા ઠરાવોની અમલવારીને બહાલી આપવી, જુદી જુદી સમિતિઓની કાર્યવાહી મંજૂર કરવી અને સભ્યો તરફથી મળેલ નવા પ્રસ્તાવોને ચર્ચા માટે સ્વીકારવા જેવા મુદ્દાઓ સામેલ છે. આ બેઠકમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગના કામો અંગે ચર્ચા થવાની છે. જૂના ઘાટીલા થી ટીકર રોડને માર્ગ-મકાન રાજ્ય વિભાગ હસ્તક સોંપવા, તેમજ પાયોનીયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજકોટ નામની એજન્સીને કામમાંથી મુક્ત કરી બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત રજૂ થશે.
તે ઉપરાંત, વાંકાનેર તાલુકાના ચાર અલગ અલગ રોડ કન્સ્ટ્રક્શનના કામો, જેમ કે અમરસરથી મીતાણા રોડ, પાંચદ્વારકા રોડ, અરણીટીંબા થી પીપળીયારાજ રોડ, તથા માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ અંગે ઈએમડી ડિપોઝીટની જપ્તી અને એજન્સી સામે કાર્યવાહીનો પ્રસ્તાવ પણ ચર્ચાશે. આ સિવાય ઉમિયા કન્સ્ટ્રક્શન, હિંમતનગરની એજન્સી સામે સમથેરવા થી નાગલપર રોડના અધૂરા કામ અંગે કાર્યવાહી કરીને બાકી રહેલું કામ અન્ય એજન્સીને સોંપવાનો મુદ્દો પણ રજૂ થવાનો છે. બેઠકમાં જીલ્લા પંચાયત સ્વભંડોળ, રેતી રોયલ્ટી, ૧૫માં નાણાપંચ ફંડ, પ્રમુખ તથા જી.વી.અ.શ્રીની ઐચ્છીક ગ્રાન્ટો જેવી યોજનાઓ અંતર્ગત મળેલા કામોને સૈધાંતિક અને વહીવટી મંજુરી આપવા તથા અગાઉ મંજૂર થયેલ કામોને બહાલી આપવા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.









