મોરબી જેવા ઇન્ડસ્ટ્રીયલ હબને અનુભવ કામે લગાડી પ્રશ્નોના નિરાકરણ લાવવાનો સક્રિય પ્રયાસ રહેશે:જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર તરીકે જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે. તેઓનું સ્થાન ટેક્નીકલ એજ્યુકેશન વિભાગમાં ડિરેક્ટર તરીકે કાર્યરત જી.ટી. પંડ્યા એ લીધુ છે ત્યારે ગઇકાલે તા. ૧૪ ઓક્ટોબરના રોજ તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળી લીધો છે જોકે સામાન્ય રીતે કોઈ અધિકારી ની નિયુક્તિ થાય તો થોડા દિવસ તેઓ જિલ્લાની સ્થિતિ સમજવા માટે લેતા હોય છે ત્યારે નવા કલેકટર જી. ટી.પંડ્યા દ્વારા બે જ દિવસ માં મોરબી કલેકટર કચેરી ખાતે હાજર થઈ ને ચાર્જ સંભાળી લેવામાં આવતા ‘ કલ કરે સો આજ કર આજે કરે સો અબ ‘ કહેવત યથાર્થ ઠરી છે અને આ શૈલી જોતા તેઓ અગાઉ પણ પોતાના કાર્યકાળ દરમિયાન પણ આ કહેવતને યથાર્થ ઠેરવતી કાર્યશૈલીથી લોકોના મનમાં આગવું સ્થાન બનાવ્યું છે.
નવનિયુકત જિલ્લા કલેક્ટરના કાર્યકાળ વિશે ટુંક માહિતી
મૂળ અમરેલી જિલ્લાના જી.ટી. પંડ્યા ૨૦૧૧ બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ માઇનીંગ એન્જિનીયરીંગમાં બી.ટેક.ની ડિગ્રી ધરાવે છે. અગાઉ તેઓ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર, છોટા ઉદેપુર જિલ્લામાં અધિક કલેક્ટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વિસ કમિશનના મેનેજિંગ ડિરેક્ટર તેઓએ પોતાની સેવા આપી છે અને છેલ્લે તેઓ ટેક્નીકલ એજ્યુકેશન વિભાગ રાજ્ય સરકારના ડિરેક્ટર તરીકે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા તેઓની મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મોરબીમાં ચાર્જ સંભાળતા જ શું કહ્યું નવનિયુક્ત જિલ્લા કલેકટરે
મોરબી જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યાએ મોરબી જિલ્લાને વિકાસની નવી દિશાઓ આપી પોતાનો ઇન્ડસ્ટ્રીયલ વિભાગનો અનુભવ કામે લગાડી ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોને વધુ ઊંચાઇ આપી તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત કલેક્ટર જી.ટી. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો હાથ ધરી સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત ચાલતી યોજનાઓનો જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને વધુને વધુ લાભ પહોંચાડવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાના પૂરોગામી કલેક્ટર જે.બી. પટેલ દ્વારા ચાલી રહેલ કામગીરીને સુપેરે આગળ ધપાવીને અનેક નવા કામોની શરૂઆત કરવાનો પણ કોલ આપ્યો છે.