ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલીયાની સર્જનાત્મક કલમને રાજ્ય કલા મહાકુંભ અંતર્ગત સાહિત્ય લેખન વિભાગની કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ પ્રથમ ક્રમાંકનું બિરુદ મળ્યું છે. તેમની કલમની ગર્ભીય અભિવ્યક્તિ, કાવ્યરચનાની સચોટતા અને ભાવનાસભર રજૂઆતને મૂલ્યાંકન મંડળે વિશેષ બિરદાવ્યા હતા.
ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે રાજ્ય કલા મહાકુંભ અંતર્ગત જિલ્લા તથા પ્રદેશ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને કલાકારોની સુષુપ્ત પ્રતિભાને પ્રકાશમાં લાવવા તથા તેમની કળાને પ્રોત્સાહન આપવા હેતુસર ગાયન, વાદન, નૃત્ય, સાહિત્ય લેખન સહિતની અનેક પ્રતિસ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રસંગે ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન બચુભાઈ પીપલીયાએ સાહિત્ય લેખન વિભાગની કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની કલમની ગર્ભીય અભિવ્યક્તિ, કાવ્યરચનાની સચોટતા અને ભાવનાસભર રજૂઆતને મૂલ્યાંકન મંડળે વિશેષ બિરદાવ્યા હતા. જીવતીબેનની આ સિદ્ધિને અનુલક્ષીને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – મોરબી–ટંકારા તથા લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર અને એસ.એમ.સી. દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમની આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વધુ ઉત્તમ પ્રદર્શન થાય અને મોરબી જિલ્લાના શિક્ષણ જગતનું નામ રાજ્ય સ્તરે પ્રખર રીતે ઉજાગર થાય તેવી સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી છે.









