મોરબી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંચાલન સાથે મોરબીના આંગણે યોજાઈ રહેલા રાજ્યકક્ષા યુવા મહોત્સવ ૨૦૨૫-૨૬ મોરબીના દ્વિતીય દિવસે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ વક્તૃત્વ, પાદપૂર્તિ, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કારીગરી અને કથક સહિત રાજયકક્ષાએ પૂર્ણ થતી ૨૯ સ્પર્ધાઓનો ભાગ – ૨ માં શુભારંભ કરાવ્યો હતો. મોરબીમાં નાલંદા સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, યુવાનો અને બાળકોના સર્વાંગિક વિકાસ માટે આ પ્રકારના આયોજનો ખૂબ મહત્વના છે જેનાથી બાળકોની કળાઓ ઉજાગર થાય છે અને તેને વિકસાવવાનો મોકો મળે છે. આ સ્પર્ધાઓમાં દીકરીઓની સંખ્યા જોઈ તેમણે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે આવી સ્પર્ધાઓ, રમત ગમત, અંતરિક્ષ, પાયલોટ તેમજ રાજકારણ એમ દરકે ક્ષેત્રે મહિલાઓ પ્રબળ નેતૃત્વ કરી નારી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. આજની નારી વિશ્વ સ્તરે ભારતની ઓળખ બની છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, બાળકો અને યુવાઓ તમામ ક્ષેત્રે મહેનત કરી આગળ વધી રહ્યા છે. આ પ્રકારનાં આયોજનો તેમના ઉત્સાહમાં વધારો કરે છે, અને તેમને પ્રોત્સાહન આપે છે.
સમગ્ર ગુજરાતના ૩૩ જીલ્લાઓ ૮ મહાનગર પાલિકાઓના અંદાજિત ૬ હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ-૧ અને ભાગ-૨ મળી કુલ ૩૪ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ સ્પર્ધકો માટે મોરબી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૩ દિવસ રહેવા, જમવા તથા પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સ્પર્ધાઓના બીજા દિવસે પણ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોએ સ્પર્ધકોની કૃતિઓ નિહાળી હતી અને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નાલંદા સ્કૂલના ટ્રસ્ટી કાર્તિકભાઈ પાંચોટિયા, વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખીયા, સ્થાનિક અગ્રણીઓ તથા સ્પર્ધકો તેમના વાલીઓ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.









