ટંકારામાં વધુ એકવાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી, ત્યારે સ્થાનિક પોલીસના નાક નીચેથી રહેણાંક મકાનમાં દરોડો પાડી રિવોલ્વર, કારતૂસ, સ્ટાર્ટર ગન સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પિસ્તોલ આપી જનાર માળીયા(મી)ના બે શખ્સોના નામ ખુલવા પામ્યા હતા જેને હાલ ફરાર દર્શાવી SMC ની ટીમે ત્રણેય આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારાની ખીજડીયા ચોકડી ખાતે આવેલ આરોપી રઝાક ઉર્ફે કલુ ના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, જે રેઇડ દરમિયાન SMC પોલીસ ટીમે મકાનમાંથી એક પિસ્તોલ, એક કારતૂસ તથા એક સ્ટાર્ટર ગન પકડી લેવામાં આવી હતી, આ સાથે આરોપી રઝાકભાઈ ઉર્ફે કલુ હસનભાઈ મકવાણા ઉવ.૩૭ રહે.ટંકારા ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા વાળાની અટક કરી હતી, દરોડા દરમિયાન પિસ્તોલ, કારતૂસ તથા સ્ટાર્ટર ગન રૂ.૨૬,૧૫૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫ હજાર અને રોકડ રૂ.૧૦,૬૮૦/- એમ કુલ રૂ.૪૧,૮૩૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં પિસ્તોલ સહિતનો મુદ્દામાલ આપી જનાર માળીયા(મી) ના અલ્તાફ તથા તેની સાથેના અજાણ્યા ઈસમ સહિત બે આરોપીઓના નામ ની કબુલાત અળતા તે બંનેને વોન્ટેડ દર્શાવી ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી હાજર નહીં મળી આવેલ બંને આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.