મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શકત શનાળા ગામની હદમાં રાજપર રોડ ખાતે એક ગોડાઉનમાં રેઇડ કરવામાં આવી હતી, જ્યાં ગોડાઉનમાં ટ્રક ટ્રેઇલરમાં ખીચો ખીચ વિદેશી દારૂ ભરેલ હોય જે ઉતારવાની કામગીરી દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ ત્રાટકીને વિદેશી દારૂની ૧૭૫૧૪ બોટલ ઝડપી લેવામાં આવી છે, રેઇડ દરમિયાન પરપ્રાંતિય ચાર ઇસમોની ધરપકડ કરાઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વધુ એકવાર મોરબીમાં વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોરબીના શકત શનાળા નજીક રાજપર રોડ ઉપર આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક ઉતારવાનો હોવાની મળેલ બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ વોચમાં હોય ત્યારે મળેલ બાતમીને આધારે ગોડાઉનમાં ટ્રક જતા તુરંત સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, હાલ ટ્રકમાં વિદેશી દારૂની ૧૭૫૧૪ બોટલ તથા ૩ વાહનો, ૪ મોબાઈલ તથા ૫૧૨૦ રોકડા સહિત ૧,૧૧,૯૪,૨૧૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ સાથે એસએમસી ટીમ દ્વારા સ્થળ ઉપરથી ચાર રાજસ્થાની આરોપી મુકેશકુમાર મહેન્દ્રકુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ્ર ગોદારા, દીનેશકુમાર પ્રેમારામ ગુરુ તથા પ્રવીણ ભગીરથરામ વરાડ બધા ભેરૂડી ગામ રાજસ્થાન શખ્સોની અટક કરી તથા આ રેઇડ દરમિયાન અન્ય સાત આરોપીઓના નામ ખુલ્યા હોય જેમાં અશોક પુનામારામ પુવાર રહે. સાંચોર રાજસ્થાન, કમલેશ હનુમાનરામ રામ રહે.રાજસ્થાન, મહેશ ચૌધરી રહે.બાડમેર રાજસ્થાન, ટ્રેઇલર ચાલક, ટ્રેઇલર માલીક, અશોક લેલનનો માલીક તથા દારૂનો જથ્થો મોકલનાર એમ સાત આરોપીઓને ફરાર હોવાનું દર્શાવેલ છે. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વોન્ટેડ આરોપીઓને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.