મોરબી જીલ્લાના ૦૬ કેન્દ્રો પર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ- ૩ માટેની પ્રાથમિક પરીક્ષા આગામી તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર મોરબી ખાતે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ- ૩ માટેની પ્રાથમિક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં તા.૦૪/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
આ પરીક્ષા મોરબીમાં ધી વી.સી.ટેક હાઇસ્કુલ વી.સી.ફાટક પાસે, ઓમ શાંતિ વિદ્યાલય સરદાર બાગની સામે શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય રવાપર રોડ, નવયુગ વિદ્યાલય કન્યા છાત્રાલય પાછળ નવા બસ સ્ટેશન પાસે શનાળા રોડ, જ્ઞાનપીઠ વિદ્યાલય ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે શનાળા રોડ, ઉમા વિદ્યાલય સંકૂલ ઉમા ટાઉનશીપ પાસે, સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ તેમજ ઓળખપત્ર ધરાવતા વિદ્યાર્થીઓને અને પરીક્ષામાં રોકાયેલા તમામ વ્યક્તિઓને (પરિક્ષાર્થીઓ મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં), ફરજ પર હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકરી નોકરીમાં અથવા રોજગારીમાં હોય તે વ્યક્તિને અને કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.









