તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળના આરોપથી હોબાળો મચ્યો છે. આ મામલે અનેક મંદિરના મહંતોની પ્રતિક્રિયા સામે આવી છે. દોષિતોને સજા આપવાની માગ કરી છે. ત્યારે મોરબી પધારેલા દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે.
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર દ્વારા ચઢાવવામાં આવતા લાડુમાં પશુઓની ચરબીના ઉપયોગના રિપોર્ટ બાદથી ચાલી રહેલો રાજકીય ખળભળાટ હવે ઉગ્ર બન્યો છે. આ મામલે દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, હિન્દુઓની ધાર્મિક ભાવના સાથે ખિલવાડ થઇ રહ્યો છે. ભારતમાં ઘણા એવા લોકો છે. જે માસ મદિરા તો દૂર લસણ ડુંગળી પણ નથી ખાતા, જે લસણ ડુંગળી નથી ખાતા તે તિરુપતિ બાલાજી મંદિર દર્શન કરવા જાય અને ત્યાં ચરબી અને માછલીના તેલ વાળો પ્રસાદ મળે આનાથી મોટું દુર્ભાગ્ય હિન્દુઓ માટે શું હોય શકે ? સંચાલકોની શાસકોની જવાબદારી છે આવી ભૂલ બીજી વખત ન થાય. જેનાથી ભૂલ થઈ છે, જે અપરાધી છે. તેને કડકથી કડક સજા મળે. શંકરાચાર્ય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મંદિર અને મઠની વ્યવસ્થા ધર્માચાર્ય અને આચાર્યના હાથમાં હોવી જોઈએ. પરંપરાના આચાર્ય હોય તેને જ આ સંચાલન કરવું જોઈએ. જો ધર્માચાર્ય કે આચાર્ય જે વિદ્વાનના હાથમાં સંચાલન હોય તો આવી ભૂલ કોઈ દિવસ ન થાય. તિરુપતિ બાલાજી મંદિર કરોડો અરબોની સંપતિ ધરાવે છે. એક લાખ ગાયોને પાળી શકે છે. તેઓએ ગૌશાળા બનાવીને તેમની જ ગાયનું દૂધ, ઘી, માખણનો ઉપયોગ કરીને નૈવૈધ રાખવું જોઈએ એ જ અમારી સૂચના છે. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે અસલી હિન્દુ નકલી હિન્દુ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે, જે હિન્દુ ધર્મનું પાલન કરે,ગાયોની, દેવોની અને માતા-પિતાની સેવા કરે એ અસલી હિન્દુ છે. આટલું જ નહિ તેઓએ ખારા પાણી અને મીઠા પાણીનું ઉદાહરણ આપી અસલી હિન્દુ અને નકલી હિન્દુનો ભેદ સમજાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, બન્ને જળ છે પંરતુ તરસ બુઝાવવા માટેનું જળત્વ મીઠા પાણીમાં જ હોય છે. તેમ હિન્દુત્વ હોય તે અસલી હિન્દુ છે.