મોરબી શહેરમાં મંજૂરી વગર મન ફાવે ત્યાં લગાવાયેલ હોર્ડિંગ્સ હટાવવા તંત્ર આકરા પાણી એ થયું છે. હોડીગ્સ દૂર કરવા આજથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મોરબીના ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધી રોડ પર ખડકી દેવાયેલ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.
મોરબી શહેરની શોભા અભડાવતા અને વાહનચાલકો પર મોત બનીને ત્રાટકતા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ આરંભવામાં આવી છે. મંજૂરી વિના આડેધડ ખડકાયેલા હોડીગ્સ દૂર કરવા નગરપાલિકાની ટીમ આજથી રીતસરની મેદાને ઉતરી છે.ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાને પગલે તંત્ર દ્વારા કોઈની પણ શહેશરમ રાખ્યા સટાસટી બોલાવી ગાંધીચોકથી શરૂ કરી શનાળા રોડ ઉમિયા સર્કલ સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા. અંદાજે 70 થી વધુ હોડીગ્સ દૂર કરવામાં આવ્યા હતા.આજે મોરબીના ગાંધીચોકથી શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સહિત બાયપાસ સુધીના હોડીગ્સ દૂર કરાયા બાદ આગામી દિવસોમાં રવાપર રોડ, સામાકાંઠે સહિતના વિસ્તારોમાં દબાણો ને ભોભીતર કરવામાં આવશે. તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું. આ કામગીરીમાં પાલિકાના ટેક્સ વિભાગના ગિરિરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના હિતેશભાઈ રવેશિયા સહિતના જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મોરબી પાલિકા દ્વારા હોર્ડિંગ્સ અંગેના ચાર્જીસની જાહેરાત પ્રસિદ્ધ કરાયા બાદ આકરી કાર્યવાહી કરાતા લોકોએ પણ આ કામગીરીને આવકારી હતી અને આગામી સમયમાં આવી કામગીરી યથાવત રાખવામાં આવી તેવી માંગ ઉઠાવી છે.