રાજપર-ચાચાપર રોડ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં ૬થી ૭ કારમાં નુકસાની.
મોરબી તાલુકાના રાજપર ગામ નજીમ ગઈકાલે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ રોડ ઉપર ભેદી રીતે થયેલા પથ્થરમારાથી ૬થી ૭ વાહનોને નુકસાન પહોંચ્યું છે. એક વંડામાંથી અચાનક પથ્થરોના ઘા થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે બનાવની જાણ થતા તાબડતોડ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી.
મોરબી તાલુકાના રાજપર-ચાચાપર રોડ પર રાજપર ગામથી અંદાજે એક કિલોમીટર દૂર રાધે રેસિડેન્સી સામે ભેદી રીતે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અજાણ્યા શખ્સોએ વંડા તરફથી અચાનક પથ્થરમારો શરૂ કરતા તે માર્ગ પરથી પસાર થઈ રહેલી ૬થી ૭ કારને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાથી વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક પણ અટકી ગયો હતો. પથ્થરમારાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાની માહિતી તાલુકા પોલીસને મળતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારે પોલીસે પ્રાથમિક તપાસમાં નજીકના ખેતરમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાનું સામે આવતા, પોલીસ દ્વારા ખેતરમાં જઈ તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્યાં કોઈ મળી આવ્યા ન હતા. ત્યારે આ પથ્થરમારો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે પોલીસે તપાસ આગળ ધપાવી છે અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી સહિતના પુરાવાઓ તપાસવામાં આવી રહ્યા છે.









