હળવદમાં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવાની, ગટર સાફ-સફાઈની તેમજ રોડ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શક્ય તેટલી ઝડપે તમામ સ્થિતિ પૂર્વવત કરી દેવા માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની સૂચના હેઠળ વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હળવદ ખાતે પણ સાફ-સફાઈ તેમજ રસ્તાના સમારકામ માટે વિવિધ ટીમ બનાવવી કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં સુપરવિઝન માટેની જવાબદારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. સાવરિયાને સોંપવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ આ ટીમ દ્વારા પૂરજોશમાં તૂટેલી શેરીઓ તેમજ રસ્તાઓમાં મેટલ પાથરી પેચવર્ક કરવાની કામગીરી, શેરી તેમજ રોડ રસ્તા ઉપર સફાઈ ઉપરાંત ગટરની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
હાલ ટીમ દ્વારા આનંદ પાર્ક વિસ્તાર મર્સી ટાઉનશીપનો વિસ્તાર સરા રોડ, યુનિક હોસ્પિટલ તરફનો વિસ્તાર, મુખ્ય બજાર, બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવાની કામગીરી, રસ્તાઓના સમારકામની કામગીરી, ખુલ્લી ગટર અને ગટરના નાલાની સફાઈ તેમજ રીપેરીંગની કામગીરી તેમજ પાણી નિકાલ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ વિસ્તારો સહિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો નિકાલ થઈ જતા દવા છંટકાવ અને સેનિટેશનની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.