નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ, દારૂ પી ને ડ્રાઈવિંગ અને બુટલેગરો સામે એક સાથે કાર્યવાહી.
મોરબી: આગામી ૩૧ ડિસેમ્બર અનુલક્ષીને મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી જીલ્લા પોલીસ દ્વારા વ્યાપક ડે-કોમ્બીંગ હાથ ધરાયું હતું. એસપીની ઉપસ્થિતિમાં વિવિધ પોલીસ શાખાઓની ટીમોએ શહેરભરમાં વાહન ચેકિંગ અને પ્રોહીબીશન અંગે દરોડા કર્યા હતા. ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ દારૂ વેચાણ અને પીધેલા ઈસમો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા અધિક્ષક દ્વારા શહેર વિસ્તારમાં ડે-કોમ્બીંગ અને વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાથે એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા તેમજ મોરબી સીટી એ અને બી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશનની કુલ ૧૪૭ અધિકારી-કર્મચારીઓની ટીમો તૈનાત કરવામાં આવી હતી. અલગ-અલગ ટ્રાફિક પોઇન્ટ પર દારૂ પી ને વાહન ચલાવતા, કાળા કાચવાળી કાર, ફેન્સી નંબર પ્લેટ અને સીટબેલ્ટ વગર વાહન ચલાવતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ હતી.
આ કામગીરી દરમિયાન કાળા કાચના ૫૮, ફેન્સી નંબર પ્લેટના ૩૭, દારૂ પી ને ડ્રાઈવિંગના ૭ સહિત અનેક કેસ નોંધાયા હતા. કુલ એન.સી. ૧૫૮ કેસમાં રૂ.૧,૦૦,૬૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો તેમજ ૧૧ વાહનો ડીટેઇન કરાયા હતા. ઉપરાંત પ્રોહીબીશનના કુલ ૭ કેસ નોંધાયા જેમાં રૂ.૬,૪૦૦/- નો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે નવા વર્ષના ઉત્સવ દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાય રહે તે હેતુથી પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.









