મોરબીના બાપા સીતારામ ચોકથી રવાપર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે ટ્રાફિક શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ૨૪ વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ રૂ.૧૨,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો તેમજ વાહનચાલકો અને વેપારીઓને સુનિશ્ચિત પાર્કિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ટ્રાફિક શાખા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. બાપા સીતારામ ચોકથી રવાપર ચોકડી, રવાપર ઝાપો, કેપિટલ માર્કેટ, કોહીનુર કોમ્પલેક્ષ તેમજ વર્ધમાન ચોકડી જેવા વ્યસ્ત માર્ગો પર રોડ ઉપર અડચણરૂપ ઉભેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રોડ ઉપર આડેધડ પાર્ક કરાયેલા તથા આવક-જાવકમાં અવરોધરૂપ બનેલા વાહનોને દૂર કરાવી ૨૪ વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી કુલ રૂ.૧૨,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. સાથે સાથે ટ્રાફિક શાખાની ટીમે વાહનચાલકો અને વેપારીઓને પોતાના વાહનો નિર્ધારિત જગ્યાએ જ પાર્ક કરવા તથા કરાવવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ અવસરે મોરબી ટ્રાફિક શાખા પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, શહેરની જનતાએ પોતાનું વાહન રોડ ઉપર ગમે ત્યાં પાર્ક ન કરવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું ટાળવું અને પોતાની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક નિયમોના પાલનથી જ શહેરમાં સુવ્યવસ્થિત અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા શક્ય બને તે માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે.









