માધવપુર મેળામાં મોરબીની દીકરીઓનું વિશેષ પરફોર્મન્સ.
મોરબી:ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ માધવપુર મેળા ૨૦૨૫ અંતર્ગત, મોરબીની સાર્થક વિદ્યામંદિરની ૧૬ વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબાનું મોહક પ્રદર્શન કરશે. આ મેળાના ભાગરૂપે સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકામાં તા. ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી એમનું પરફોર્મન્સ થશે. કરિયોગ્રાફર રવિરાજભાઈના માર્ગદર્શન હેઠળ, મોરબીની દીકરીઓ સમગ્ર રાજ્યમાં જીલ્લાનું ગૌરવ વધારશે.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આયોજિત ઇન્ટરનેશનલ માધવપુર મેળો, ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો મહોત્સવ છે. આ વર્ષે, દેશભરના ૧૬૦૦ થી વધુ કલાકારો વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટ્સમાં પોતાની કલાને પ્રસ્તુત કરી રહ્યા છે. આ મેળા અંતર્ગત, મોરબીની સાર્થક વિદ્યામંદિરની ૧૬ જેટલી વિદ્યાર્થીનીઓને પ્રાચીન ગરબા રજૂ કરવાની ખાસ તક મળી છે. તેઓ સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકામાં ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ દરમિયાન પોતાની નૃત્યકલા દ્વારા રાજ્યના સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરશે. આ પરફોર્મન્સ માટે રવિરાજભાઈએ કોરિયોગ્રાફી કરી છે.
મોરબી જીલ્લા યુવા વિકાસ વિભાગ અને અધિકારી હિરલબેન વ્યાસની આગેવાની હેઠળ, કલાકારોને રાજ્યવ્યાપી મંચ મળી રહ્યો છે, ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરની દીકરીઓ ગુજરાતના વિવિધ મેગા સિટીમાં જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે મોરબી માટે ગૌરવની ક્ષણ છે.