મોરબી ખાતે ગુજરાત ટાઈટન દ્વારા આયોજિત “જુનિયર ટાઈટન” રમતોત્સવમાં પોલીસલાઈન કુમાર શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો. ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને ટ્રોફી-મેડલ સાથે ફોટોગ્રાફી, કોચ દ્વારા માર્ગદર્શન અને રમતો રમાડવામાં આવી હતી. આ સાથે ભાગ લીધેલા વિદ્યાર્થીઓને અંતે પ્રમાણપત્રો, ટી-શર્ટ, કિટ તથા હેલ્ધી નાસ્તો આપવામાં આવ્યો હતો.
મોરબી: બાળકોમાં ખેલદિલી, શિસ્ત અને વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેમજ શૈક્ષણિક જીવન સાથે આનંદદાયી પ્રવૃત્તિઓનું સંતુલન જળવાઈ રહે તે હેતુથી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં “આનંદદાયી શનિવાર”ની ઉજવણીનો નિર્ણય લેવાયો છે. આ અભિયાનના ભાગરૂપે મોરબી ખાતે ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં આઇ.પી.એલ.ની ટીમ ગુજરાત ટાઈટનના પ્રમોશન માટે “જુનિયર ટાઈટન” નામનો રમતોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજર હરદીપભાઇ દ્વારા શ્રી પોલીસલાઈન કુમાર શાળાના વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ અનુસાર શાળાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને ગુજરાત ટાઈટન દ્વારા જીતેલ ટ્રોફી અને મેડલ સાથે ફોટોગ્રાફી કરવાની તક આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ રમતોના કોચ દ્વારા ફૂટબોલ, બાસ્કેટબોલ અને બોક્સ ક્રિકેટ જેવી રમતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને બાળકોને પ્રેક્ટિકલ રીતે રમતો રમાડવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો, ટી-શર્ટ, રમતગમતની કિટ તેમજ હેલ્ધી નાસ્તો આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન સફળ બનાવવા માટે પોલીસલાઈન કુમાર શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી.









