હળવદના વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા માટે મોરબી તથા હળવદની શાળા અને કોલેજોમાં આવતા હોય છે. પરંતુ તેમને સવારે અને બપોરના સમયે શાળા અને કોલેજે આવવા-જવા માટે નિયમિત રીતે બસો મળતી નથી. જેથી કરીને આજે વિદ્યાર્થિઓ દ્વારા હળવદમાં હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
મોરબી શહેર અને જિલ્લામાં જાણે કે સુવિધાઓ માટે ચક્કાજામ કરવો અનિવાર્ય બની ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ થયા હતા. ત્યારબાદ હળવદ અને વાંકાનેરમાં પણ પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હવે હળવદમાં હાઇવે પર વિદ્યાર્થિનીઓ દ્વારા એસટી બસની સુવિધા માટે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. ચરાડવા ગામ માટે નિયમિત બસ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક રજૂઆતો છતાં બસ ન મૂકવામાં આવતા વિધાર્થીઓ વિફર્યા હતા, જો કે,અંતે એસટી વિભાગે તાત્કાલિક બસ મુકતા ચકાજામ દૂર કરાયો છે.