મોરબી જિલ્લામાં અકસ્માતો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રોજબરોજ અકસ્માતોના વધતા બનાવોને લઈ વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે મોરબી જિલ્લાના વાછકપર ગામે એક ટ્રેક્ટરના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ચલાવી છકડો રીક્ષાને હડફેટે લેતાં બે ખેતમજુર અને એક બે વર્ષીય બાળકને ઇજાઓ પહોંચી છે.જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૩/૧૦/૨૦૨૨ના રોજ લીલાબેન મેડા અને શર્મીલાબેન બાભણીયા 2 વર્ષીય બાળક કાર્તીકને લઈ નેકનામથી વાછકપર જતા ગ્રામીણ માર્ગે નેકનામ તળાવ પાસે છકડો રીક્ષા પર બેઠા હતા. જે દરમિયાન જીજે-૩૬-આર-૦૩૪૧ નંબરનાં ટ્રેક્ટર નાં ચાલક ભગવાનજીભાઇ પટેલે પોતાનું ટ્રેક્ટર પૂરપાટ ઝડપે ચડાવી તડાકાભેર છકડો રીક્ષા સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અકસ્માતમાં અરવિંદભાઈ સાકરીયાને ત્યાં ખેતમજુરી કરતા લીલાબેન મેડા, શર્મીલાબેન બાભણીયા અને બે વર્ષીય બાળક કાર્તીક ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે અરવિંદભાઈ સાકરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.