મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, અશોકભાઈ ખારચીયા, જનક રાજા, જગદીશભાઈ બાંભણીયા સહિતનાની આગેવાની હેઠળ જુના મહાજન ચોક પાસે ચિત્રકૂટ સીનેમા પાસેના માર્ગ પરના વેપારીઓ અને સ્થાનિકોએ આજે પાલિકા કચેરીએ દોડી જઈને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે, ઓમ કોમ્પ્લેક્સની સામે ચિત્રકૂટ સિનેમા પાસેનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે ઠેરઠેર ખાડા પડી ગયા છે. સમારકામની ખાસ જરૂરીયાત હોય લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ રોડ ઉપર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે. જેમાં મોટા વાહનોથી માંડીને નાના વાહનો આ રોડ ઉપર ભરેલા વરસાદી પાણીના ખાડામાં ખાબકે છે. જેથી વાહન ચાલકોને નાની-મોટી ઇજા થાય છે. આ રોડ ઉપર ખાડા-ખબડાને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. આ અંગે સ્થાનિકો અને વેપારીઓએ અગાઉ તંત્રનું ધ્યાન દોર્યું હતું. પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા હાલ રોડની હાલત અતિ દયનીય થઈ ગઈ છે. રોડ ઉપર ચોમાસાના પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિકો અને દુકાનદારો તેમજ અન્ય નાના ધંધાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આથી વેપાર ધંધાને નુકશાન પહોંચે છે. તેથી આ રજુઆત સંદર્ભે ૩૦ દિવસમાં રોડનું યોગ્ય કામકાજ કરવાની માંગ કરી છે. રજુઆતને પગલે પાલીકા પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ રોડનું કામ તાકિદે હાથ ધરાશે અને લોકોની સમસ્યાનો ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી.