કચ્છથી સૌરાષ્ટ્રને જોડતા કંડલા માળીયા નવલખી સુધી સાગરતટીય રસ્તો બનાવવા કેન્દ્રના શિપિંગ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.
સાગરમાલા પરિયોજના અંતર્ગત આ વિસ્તારોનાં વિકાસ માટે રસ્તો બનાવવા માટે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાને લેખિત રજૂઆતમાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું છે કે, કચ્છમાં બે બંદર કંડલા અને મુન્દ્રા છે.
ઉતર અને મધ્ય ભારતનાં પરિવહન માટે એક જ નેશનલ હાઈવે નંબર ૮ છે. જેના પર અકસ્માતો થતાં હોય છે તો ટ્રાફિક જામની સમસ્યા પણ થાય છે. કંડલા થી ભચાઉ ૪૨ કિ.મી. અને ભચાઉ થી માળીયા ૫૮ કિ.મી. એમ કુલ ૧૦૦ કિ.મી.નો રસ્તો માળીયા સુધી થાય છે. સાગરતટીય વિસ્તારમાંથી નવો હાઈવે બનાવવામાં આવે તો ૪૪ કિ.મી. બચી જાય તેમ છે, આના લીધે પરિવહનકર્તાઓને આર્થિક ફાયદો થવા ઉપરાંત સમયની બચત પણ થાય, તો ટ્રાફિક સમસ્યામાં પણ અટવાવું ન પડે.
કચ્છ અને સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે. કચ્છ સરહદી જીલ્લો હોવાના કારણે એક જ રસ્તા પર અવલંબિત રહેવું પડે નહીં તે માટે તથા કચ્છ, મોરબી, માળીયાના મીઠા ઉદ્યોગને સવલતો મળે, મોરબીના સીરામીક ઉદ્યોગને ફાયદો થાય અને સિંગાપોર ની જેમ પોર્ટ સંલગ્ન વેપારનો વિકાસ થાય તે માટે આવો સાગરતટીય માર્ગ બનાવવો આવશ્યક જણાઈ રહ્યો છે.
આ નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બને તો, કંડલા પોર્ટ પ્રશાસન અને ગુજરાત સરકાર પાસે ૯૦ ટકા જમીન ઉપલબ્ધ થાય તેથી ૧૦ ટકા જમીન સંપાદન સરળતાથી થઈ શકે તેમ છે. શિપિંગ મંત્રાલય દ્વારા સાગરમાલા પરિયોજના હેઠળ આ રસ્તો તૈયાર કરવામાં આવે તે માટે સકારાત્મક અભિગમ પણ શિપિંગ મંત્રીએ ટેલિફોનિક વાતમાં દર્શાવ્યો હતો.