મોરબી જિલ્લામા આવેલ મુખ્ય માર્ગોમાં ઠેરઠેર ગાબડા પડયા હોવાથી માર્ગની હાલત અત્યંત બિસ્માર છે જેને લઈને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આથી આ ખખડધજ માર્ગોને ડામરથી મઢી નવું રૂપ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીલાલ પટેલની આગેવાની હેઠળ કરાયેલ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી ઔધોગિક વિસ્તાર હોવાથી મોરબીમાં સીરામીક ઉધોગ, ધડિયાર ઉધોગ, પેપર મિલ, સનમાઇકા, પેકેજિંગ ઉધોગ, સહિત નાનામોટા અસંખ્ય ઉદ્યોગો આવેલા છે. ઉદ્યોગોને કારણે મોટા વાહનો પેસેન્જર વાહનો તથા પ્રાઇવેટ વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં અવરજવર રહે છે. વાહનોની સંખ્યાના પ્રમાણમાં રોડ રસ્તા ખૂબ જ સકડા તથા બિસ્માર અવસ્થામા છે જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો થાય છે.
એક અંદાજ મુજબ ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં અકસ્માતો મોરબી જિલ્લામાં થાય છે જેને કારણે મોટા પ્રમાણમાં જાનહાની કે શારીરિક ઇજાઓ થાય છે. ખાસ કરીને મોરબી જેતપર રોડ, મોરબી હળવદ રોડ, કંડલા બાયપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ ખરાબ રસ્તાઓને કારણે ઉદ્યોગકારો, કારીગરો, રો -મટીરીયલ, સપ્લાયર, રાહદારીઓ, ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડે છે અને સમયનો બગાડ પણ થાય છે. અમુક કિસાઓમાં અકસ્માતને કારણે મહામૂલ્ય માનવ જિંદગી છીનવાઈ જાય છે. બીજી તરફ મોરબી જિલ્લાને ઔદ્યોગિક ઝોન જાહેર કરી જિલ્લામાં આવતા તમામ રોડ હેવી રોડ બનાવી તેને ૪૦ થી ૫૦ ટનની કેપિસિટી વાળા મજબૂત રોડ બનાવવા પેરામીટર ચેન્જ કરવાની પણ જરૂર છે આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમ અંતમાં ચીમકી ઉચ્ચારી છે.