મોરબી જિલ્લામાં નકલી બિયારણનું વેચાણ અટકાવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજુઆત કરતાં તેઓેએ જણાવ્યું હતું કે હાલમાં ચોમાસું નજીક આવે છે ત્યારે મોરબીમાં બિયારણના વેપારીઓ દ્વારા નકલી બિયારણનું ગેરકાયદે વેચાણ કરતા એગ્રોધારક/દુકાનદારો પર બાજ નજર રાખી વેપારીઓની તપાસ કરી નકલી બિયારણનું વેચાણ અટકાવવા માટે ખેતીવાડી અધિકારીને આદેશો આપવા રજુઆતમાં વિનંતી કરવામાં આવી છે. તેમજ વધુ પૈસા કમાવવાની લાલચ રાખી નકલી બિયારણ કે જંતુનાશક દવા વેચવાનો ગોરખ ધંધો કરતા હોય તેવા વેપારીઓને સ્વાર્થ વૃત્તિથી ઉપર જઈ જગતના તાતના હિતનો પણ વિચાર કરવા હડમતિયાના સામાજીક કાર્યકર રમેશ ખાખરીયા, લજાઈના ગૌતમભાઈ વામજા, વાંકાનેરના અર્જુનસિંહ વાળા, મોરબીના કાંતિલાલ બાવરવા, ગ્રાહક સુરક્ષાના લાલજીભાઈ મહેતા દ્વારા અપીલ કરવામાં આવી છે. તેઓએ અંતમાં જો ખેતીવાડી વિભાગ દ્વારા નકલી બિયારણ દવાનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી આપી છે.