મોરબી જિલ્લામાં ઘરેલું જરૂરીયાત માટે પૂરતો ડોમેસ્ટિક LPG ગેસ ઉપલબ્ધ હોવાનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ગેસ પુરવઠો સુચારૂ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રિબ્યુટરો સાથે બેઠક યોજવામાં આવી હતી.
મોરબી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી ખાતે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક દરમિયાન ગેસ એજન્સીના વિતરકોને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના હેતુફેર અથવા કાળા બજાર ન કરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. જો કોઇ એજન્સી અથવા વિતરક ગેસના કાળા બજારમાં સંડોવાયેલો જોવા મળશે તો તેની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, LPG ગેસના કાળા બજાર કરનારા તત્વો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવશે. જરૂર પડે તો પાસા જેવી સખત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત આવી એજન્સીઓના લાયસન્સ રદ કરી તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ગેસનું પરિવહન અને વિતરણ માન્ય વાહનો દ્વારા જ કરવામાં આવશે અને જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવશે.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડર તેમજ PNG ગેસ પાઇપલાઇન મારફતે ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગેસનો બિનજરૂરી સંગ્રહ ન થાય તે માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણ મુકવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ LPG ફાળવણી ચાલુ રહેશે. લોકોને ગેસ માટે અનાવશ્યક તણાવ ન રાખવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક-જાવકનું મેન્યુઅલ રજીસ્ટર ફરજિયાત રાખવાનું રહેશે તેમજ ઓનલાઇન ડેટા એન્ટ્રી પણ કરવી પડશે. જો કોઇ ગડબડ અથવા શંકાસ્પદ પ્રવૃતિ જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, ગેસ એજન્સી નોડલ ઓફિસરો તથા ગેસ ડિસ્ટ્રિબ્યુટરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









