રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 32 લોકો હોમાયા છે. ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગંભીર ટિપ્પણીઓ કરી હતી. તેમજ 1 જ દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો.
રાજકોટમાં TRP ગેમઝોનમાં શનિવારે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે. ત્યારે આજે આજે રવિવારે રજાના દિવસે પણ ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. અને હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે આ માનવસર્જિત ડિઝાસ્ટર છે. હાઇકોર્ટે રાજ્યની તમામ કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે ખુલાસો પણ એક જ દિવસમાં કરો. હાઇકોર્ટે આ સાથે ફાયર સેફ્ટી, મંજૂરી અંગે ખુલાસો પણ માગ્યો છે. ગેમિંગ ઝોન બનાવવા અને ચલાવવા માટે નિયત અને યોગ્ય પરવાનગીઓ નહીં લેવાઇ હોવાનું પણ કોર્ટના ધ્યાને મુકાયું હતું. આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે નિર્દોષના મોત મામલે કહ્યું કે અમદાવાદમાં પણ ગેમિંગ ઝોન પબ્લિક સેફ્ટી માટે ખતરારૂપ છે. અમદાવાદના સિંધુભવન રોડ, SP રિંગ રોડ, SG હાઈવેના ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરા રૂપ છે.