પાલીકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કવાર્ટરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં બંધ પડેલા આવાસો તથા ભાડે આપેલા આવાસોનાં લાભાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા. ૧૫નાં રોજ સ્થાનીકોની રજુઆતને પગલે સવારે ૯ કલાકે પાલીકા ચીફ ઓફિસરની સુચના અન્વયે નોડલ ઓફિસર ધીરૂભાઈ સુવેલાએ ટીમ બનાવી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કવાર્ટરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં આવાસ યોજનાનાં કુલ ૬૮૦ આવાસોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૨૭૬ જેટલા બંધ પડેલા આવાસો તથા ૧૬ આવાસો કે જે ભાડે આપવામાં આવેલા હોય તેવા લાભાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
આ આવાસેનો વર્ષ ૨૦૧૮-૧૯માં ડ્રો કરવામાં આવ્યો હતો અને લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. AHPની ગાઈડલાઈન મુજબ આવાસ ફાળવણી થયા બાદ ત્રણ માસમાં આવાસમાં રહેવા જવાનું હોય છે. પરંતુ લાભાર્થીઓએ કબ્જો મેળવ્યાને ચાર માસથી પણ વધુ સમય થયો હોવા છતાં આવાસમાં રહેવા ન આવેલા હોય તેવા બંધ પડેલા ૨૭૬ આવાસનાં લાભાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી જ્યારે ગાઈડલાઈન મુજબ આવાસ યોજનાના લાભાર્થીઓ મકાન ભાડે આપી શકતાં નથી તેમ છતાં ૧૬ લાભાર્થીઓએ આવાસ ભાડે આપ્યા હોવાનું જણાતા તેઓને પણ નોટીસ ફટકારવામાં આવી હતી અને રૂ. ૫૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.
આગામી સમયમાં જે આવાસો ભાડે આપવામાં આવ્યા છે તેમાં લાભાર્થીઓ રહેવા નહી આવે તો ફરીથી નોટીસ ફટકારવામાં આવશે અને તેમ છતાં જો લાભાર્થીઓ આવાસમાં રહેવા નહિં આવે તો કડક પગલા લઈ તેમની પાસેથી આવાસનો કબ્જો પરત લેવામાં આવશે તેવું પાલીકા ચિફ ઓફિસરે જણાવ્યું હતું.