મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. જેમાં મહિલાઓ બાળકો સહિત ૧૩૫ જેટલા લોકો મોતના મુખમાં સમાયા હતા. ત્યારે હાઇકોર્ટ સુઓમોટો સુનાવણીમાં રાજ્યસરકાર દ્વારા યોગ્ય તપાસ કરીને મોરબી નગરપાલિકા પર જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જે બાદ ગત તા.૧૮ ના રોજ રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને શા માટે સુપર સિડ ન કરવી તે માટે કારણ દર્શક નોટિસ ફટકારી છે અને જેનો જવાબ ૨૫ જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા જણાવ્યું હતું. જેને લઇ આજે મોરબી નગરપાલિકાની સાધારણ સભામાં નોટિસ ના જવાબ આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.
મોરબી નગરપાલિકાના ઠરાવમાં જણાવ્યા અનુસાર, આજની સાધારણ સભામાં સરકાર તરફથી ગત તા.-૧૮/૦૧/૨૦૨૩ના રોજ આપવામાં આવેલ નોટિસમાં સરકાર તરફથી નગરપાલિકાની જવાબદારી નક્કી કરવામાં જે બાબતો રજુ થયેલ છે તેનું રેકર્ડ સરકાર નિયુક્ત તપાસ સમીતીએ જેતે સમયે હસ્તગત કરેલ હોઈ સરકારની નોટીસમાં પણ નોટીસના મુદ્દાઓ પરત્વેનું કોઈ સાહિત્ય કે આધારપત્રો નોટીસ સાથે આપવામાં આવેલ ન હોઈ આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલ નોટીસના જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે આવ્યો હતો અને સરકારમાંથી જરૂરી આધારપત્રો/સાધનિક કાગળો મળ્યાં બાદ આ બાબતે જરૂરી જવાબ સરકારને રજુ કરવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે અને નગરપાલિકાનો જવાબ રજુ થાય ત્યા સુધી આ અંગે કોઈ નિર્ણય ન્યાયના હિતમાં ન કરવા સરકારમાં નમ્રતાપૂર્વક વિનંતી કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.