હળવદ નગરપાલિકા ખાતે આજરોજ સમસ્ત વાલ્મીકી સફાઇ કામદારો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હળવદ નગરપાલિકા દ્વારા રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવી છે. ત્યારે સફાઈ કામદાર પાસેથી મૂળભૂત હેતુ મુજબની સફાઈ કામગીરી જ કરાવવામાં ન આવતી હોવાથી સમસ્ત વાલમીકી સફાઈ કામદારો દ્વારા રોસ્ટર મુજબ ભરતી થયેલા સફાઈ કામદારો પાસે પણ સફાઇની કામગીરી કરાવવાની માંગ સાથે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. અને 5 મે ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ તથા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
હળવદ પાલિકાના ચીફ ઓફિસરને સમસ્ત વાલ્મિકી સફાઈ કામદારો દ્વારા લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે ગત તારીખ 22/4 ના રોજ હળવદ નગરપાલિકા કચેરીમાં તાજેતરમાં રોસ્ટર મુજબની ભરતી થયેલ સફાઈ કામદારો પાસે મૂળભૂત હેતુ મુજબ શહેરમાં સફાઈ કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની એવી કામગીરી કરવામાં આવી નથી જેને લઇ વાલ્મિકી સમાજના સફાઇ કામદારોને સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે. તેમજ સમસ્ત વાલ્મીકી સફાઇ કામદારો આગામી તારીખ 5 મે થી નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ ઉપર બેસીને વિરોધ રજુ કરશે. સાથો સાથ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તથા ઉગ્ર આંદોલનકરવાની ચીમકી ઉચ્ચારી હતી.