મોરબી જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
તા.૦૮.૦૫.૨૩ થી તા.૧૨.૦૫.૨૩ કુલ પાંચ દિવસ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને મોરબી જિલ્લાની મોરબી,વાંકાનેર,હળવદ,માળિયા,ટંકારા તાલુકા હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૪ જેટલી જામનગર,ભુજ,અંજાર તથા મોરબીની વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંકના ૭૨૧ તથા વાણિજ્યિક હેતુના ૧૯૫ મળીને કુલ ૯૧૬ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી રહેણાંકના ૧૬૪ તથા વાણિજ્યિક હેતુના ૪૪ મળીને કુલ ૨૦૮ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં રહેણાંકમાં ૫૭ લાખ તથા વાણિજ્યિક હેતુમાં ૩૫.૨ લાખ મળીને કુલ રૂ. ૯૨.૨ લાખના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.