મોરબી શહેરમાં મોહરમ મહિનાના અંતિમ દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુસૈનની યાદમાં તાજિયા જુલુસનું આયોજન કરાયું હતું. શહેરના ૧૧ વિસ્તારોમાંથી તાજિયા નીકળી શહેરના નગર દરવાજા ચોક ખાતે એકત્રિત થયા બાદ વિધિવત વિસર્જન કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થયો હતો અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
મોરબી શહેરમાં ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનો મોહરમ નિમિતે હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા દસ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં શબીલ, ધાર્મિક કાર્યક્રમો અને યાદગાર સેવાકાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તાજિયા પડમાં આવ્યા હતા અને રવિવારે મોચીશેરી, ભવાની ચોક, સરગીયા શેરી, સિપાઈ શેરી, મચ્છી પીઠ, નાની બજાર, કાલિકા પ્લોટ, ફૂલછાબ ચોક (વીસીપરા), જોન્સનગર, મકરાણીવાસ અને મતવા ચોક સહિત કુલ ૧૧ વિસ્તારોમાંથી તાજિયા નીકળી જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા. જુલુસ અંતે રવિવારે સાંજે તમામ તાજિયા નગર દરવાજા ચોક ખાતે એકત્રિત થયા હતા જ્યાં ધાર્મિક રીતિ-રીવાજ પ્રમાણે તાજિયા ટાઢા થયા બાદ મોડીરાત્રે વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર તાજિયા જુલુસ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પાડવા મોરબી પોલીસ દ્વારા રૂટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ કર્મીઓ ઉપરાંત સ્થાનિક સ્વયંસેવકો અને જુલુસ કમિટી દ્વારા પણ વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી. મોહરમ પર્વ નિમિતે વિવિધ સ્થળોએ મુસ્લિમ સમુદાયના યુવાનો દ્વારા શરબત, કોલ્ડ ડ્રિંક્સ અને નાસ્તાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં શાંતિ, એકતા અને આસ્થાના દ્રશ્યો જોવા મળ્યા હતા.