ટંકારામાં તલાટી મંત્રીને હોરીવન-રીસોર્ટ્સ રહેવા જમવાની લોભામણી ઓફર આપી ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેમના બેન્ક ખાતામાંથી રૂ. ૫૦,૦૦૦ હડપ કરાયાની ફરિયાદ નોંધાઈ છે. હાલ તલાટી મંત્રીની ફરિયાદને આધારે બે મોબાઇલ નંબર ધારક, એક ટોલ ફ્રી નંબર ધારક તથા એક બેંક ખાતા ધારક આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસે બીએનએસ તથા આઇટી એક્ટની કલમો હેઠસલ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારાના તલાટી મંત્રી રવીકુમાર કિશોરભાઈ ગોસાઈ ઉવ.૩૫ રહે. ટંકારા ઉગમણા નાકા, આયુષ્માન આરોગ્ય મંદીર-૧, મુળ નિવાસી ધર્મનગર ભગવતીપરા તાજકોટ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ચાર મોબાઈલ નંબર ધારક તેમજ બેંક એકાઉન્ટ ધારક અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ઉપરોક્ત આરોપીઓએ Horiven Resorts નું નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી કુલ-૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવીધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી ગત તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ફરીયાદીના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.૫૦,૦૦૦/- આરોપીઓએ કોટક મહિન્દ્રા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી મેળવી લઇ, ફરીયાદીના નાણા આજદીન સુધી પરત નહી આપી વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી. ટંકારા પોલીસે ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ તેમજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળનો તપાસ ચલાવી છે