ટંકારાના લજાઈ-નશીતપર રોડ પર આવેલી મારૂતિ પ્લાસ્ટિક કારખાનામાં રમતી વેળાએ શ્રમિકના ૫ વર્ષના બાળકને માથામાં લોખંડનો મોટો દરવાજો વાગતા બાળકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ટંકારા પોલીસ મથકે નોંધાયેલ અ.મોતની નોંધની વિગતો મુજબ ટંકારાના લજાઈ-નસીતપર રોડ ઉપર મારુતિ પ્લાસ્ટિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મુળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના પરેઠા ગામના વતની રગનભાઈ સમરીયાભાઈ ડાવર ઉવ.૩૫નો દીકરો સંદીપ ઉવ.૦૫ કારખાનામાં રમતો હોય ત્યારે રમતી વેળાએ તેને માથામાં મોટો દરવાજો વાગતા, ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તુરંત મોરબી સિવિલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન ૫ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









