ટંકારા તાલુકાના નવાગામ-અદેપર રોડ પર લક્ષદ્રીપ કારખાના પાસે સાંજના સમયે કોઈ અજાણી વ્યક્તિએ એક નવજાત શીશુને જીવતું ખાડો ખોદી દાટી દીધું હતું. ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક શ્રમિકને બાળકના રડવાનો અવાજ સંભળાતા, તેણે તરત જ બાળકને બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી. બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકના શરીરે ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઝબલુ પહેરાવેલું હતું. હાલ સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે અજાણી સ્ત્રી આરોપી તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારાના ઘુનડા(સજનપર) ગામની સીમમાં નવાગામ-અદેપર રોડ પર લક્ષદ્રીપ કારખાના નજીક અજાણ્યા શખ્સે એક નવજાત બાળકને ત્યજી દઈ જીવતું દફનાવી દીધું હતું. ત્યારે ત્યાં રોડ ઉપરથી પસાર થતા એક શ્રમિકે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. જેથી તત્કાલ બાળકને જમીનમાંથી હેમખેમ બહાર કાઢી,૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું, જ્યાં તબીબોએ બાળકને તંદુરસ્ત જાહેર કર્યું હતું. મળી આવેલ શીશુના શરીરે “ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્ર” નું ઝબલુ જોવા મળ્યું હતું. હાલ નવજાત બાળક ટંકારા પોલીસની શી ટીમના મહિલા સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે અજાણી સ્ત્રી આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.