બે મહિલા સહિત ચાર લોકોએ આપી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો.
ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્લોટમાં મોબાઇલ ટાવર ઉભો કરવાના વિવાદે ચાર શખ્સોએ વૃદ્ધ દંપતીને બેફામ ગાળો આપી ધારીયા અને ધોકા દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા ટંકારા પોલીસ મથકમાં બે મહિલા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આલાભાઈ દલાભાઈ ચાવડા ઉવ. ૬૮ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી દીનેશભાઈ ભલાભાઈ સારેસા, ભલાભાઈ ગેલાભાઈ સારેસા, રતનબેન ભલાભાઈ સારેસા તથા શારદાબેન દીનેશભાઈ સારેસા તમામ રહે. લજાઈ ગામ તા.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેના દિકરા પ્રેમજી આલાભાઈના નામે મિલકત નં.૯૪૯ છે. આ પ્લોટમાં “ઇન્ડસ ટાવર્સ લિ. કંપની” દ્વારા માસિક ભાડે મોબાઇલ ટાવર લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્લોટની બાજુમાં રહેતા આરોપી દિનેશભાઈ ભલાભાઈ સારેસા અને ભલાભાઈ ગેલાભાઈ સારેસાને આ બાબત ગમતી ન હતી. જેથી તેમણે રતનબેન, શારદાબેન સહિત અન્ય સાથે મળી પ્લોટ પાસે ફરિયાદી અને તેમના પત્નીને ગાળો આપવી શરૂ કરી હતી. ત્યારે આરોપી દિનેશભાઈએ હાથમાં ધારીયું અને ભલાભાઈએ હાથમાં ધોકો લઈ ફરીયાદી અને તેની પત્નિ જયાબેનને “ટાવરનું કામ અમે કરવા દેવાના નથી, તમને મારી દઈશુ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે