ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે ટોયલેટ જતા દીવાલ કૂદીને આરોપી હાથકડી સાથે ફરાર.
ટંકારા: જૂનાગઢથી મોરબી જેલ બદલી દરમ્યાન ચોરીના ગુનામાં કાચા કામનો કેદી ખજૂરા હોટલ નજીકથી પોલીસ જાપ્તામાંથી ભાગી જતા દોડધામ મચી જવા પામી છે. હાલ જૂનાગઢ અને ટંકારા પોલીસ દ્વારા નાકાબંધી કરીને શોધખોળ ચાલી રહી છે. ત્યારે ટંકારા પોલીસ મથકમાં આરોપી નાસી ગયેલા કાચા કામના કેદી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રવિશંકર સરદારસિંહ ડામોરે ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ, જૂનાગઢ જેલમાં ચોરીના ગુનામાં કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા રહે. જૂનાગઢ વાળાની જેલ બદલી મોરબી સબ જેલ ખાતે થઈ હોય જેથી ઉપરોક્ત કાચા કામના આરોપીને સરકારી વાહનમાં જૂનાગઢથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે હાઈવે ઉપર સરકારી વાહન અચાનક ગરમ થઈ જતા, વાહન ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકવામાં આવ્યું હતું, તે સમયે આરોપીએ ટોયલેટ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોલીસ કાફલાના એ.એસ.આઈ. જયેશભાઈ સાથે આરોપીને ટોયલેટ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી બહાર આવતી વખતે આરોપીએ પોલીસ જાપ્તામાંથી પોતાનો હાથ છોડાવીને હાથકડી સહિત નજીકની દીવાલ ઠેકી ભાગી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક જૂનાગઢ કન્ટ્રોલ રૂમ તથા ટંકારામાં નાકાબંધી કરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે ભાગી છુટેલ આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૨૬૨ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.